એક સુખી સ્વપ્ન
મોક્ષ શું હશે? જો માત્ર પોતાનાં આત્માનાં સુખનો જ વિચાર કરવો હોય તો ‘દયા, કરુણા, સાધર્મિક ભક્તિ શું છે? એ વિશે જ્યારે પણ વિચાર કર્યો છે ત્યારે જૈન સાહિત્યને સમજવા અને એનાં શા ફાયદા છે એ વિશે પણ સહજ વિચાર્યું છે. થોડુંક કદાચ તમને પણ વાંચવું ગમશે.
ર્હદય અને મનનો વિકાસ કરવામાં સહાયક એવું લોજીકલ સમૃધ્ધ જૈન સાહિત્ય, સમષ્ટિનાં રહસ્યો સમજાવતું તત્વજ્ઞાન એવું તત્વાર્થ સૂત્ર, ભગવાન મહાવીરે કેવળજ્ઞાન પછી વર્ણવેલ ઉત્તરાધ્યાન સૂત્ર, કે કોઇપણ આગમ કે કર્મ પ્રકૃતિને સહજ સમજાવતાં અનેક ગ્રંથ જેની પણ વિશે વિચારીએ કે વાત કરીએ અથવાં તો શ્રાવકનાં આવશ્યક કે જેમાં સામાયિક, પ્રતિક્રમણની જ વાત કરીએ, આ બધું ખરેખર તો એ જ બતાવે છે કે આપણી પાસે ખરેજ ઘણું જાણવા લાયક કે જીવનમાં ઉતારવા લાયક છે.
હવે, પ્રશ્ન એ થાય કે આ બધું જીવનમાં ઉતારવાથી શો ફાયદો થશે? આપણે વાણિયા છીએ એટલે ‘ફાયદો’ તો પહેલાં જ વિચારવો રહ્યો. ખરું ને?
હા, સૌ પ્રથમ તો આ બધું જ આપણને ‘સહજ અને શાંત’, ‘પ્રસન્ન અને પ્રોડક્ટીવ’ જીવન જીવવામાં ઉપયોગી થશે. મોક્ષ માર્ગમાં બતાવેલ ચૌદ ગુણસ્થાનક વિશે ના પણ જાણતાં હોઇએ છતાંય જો થોડોક અભ્યાસ પણ આપણે ‘આંતર જગત’ ને ઓળખવામાં કરીએ તો એ મૂળભુત રીતે ક્રમે કરીને ‘રત્નત્રય’ની પ્રાપ્તિ વિશેનાં જ પગથિયાં છે. તમને શું લાગે છે?
જો તમે ધાર્મિક છો તો, એક નજર ખરેખર જીવી રહ્યાં છે એ વર્તમાન જીવન પર નાંખીએ, શું ખરેખર આપણે ‘સહજ અને શાંત’, ‘પ્રસન્ન અને પ્રોડક્ટીવ’ જીવન જીવી રહ્યાં છીએ? જો જવાબ ‘હા’ હોય તો હવે આગળ આપણી શું જવાબદારીઓ રહેશે? એ વિશે વિચારીશું. પણ જો જવાબ ‘ના’ હોય તો ખરેખર આપણી સાધનાં જ આપણું લક્ષ્ય બની ગઇ હોય એવું બની શકે. જેમ કે ‘આહાર વિહારનાં નિયમો’ નો દાખલો લઇએ. જ્યારે આ નિયમ લઇએ છીએ ત્યારે આપણું લક્ષ શું છે? આપણે આ નિયમથી શેની પ્રાપ્તિ વિશે વિચાર્યું હતું? બની શકે કે લક્ષ ગૌણ બને અને નિયમ મુખ્ય ત્યારે ‘કષાય’ થવા સંભવ છે. આવું થાય ત્યારે શું કરવું? તો આવે વખતે ‘સામાયિક’ કરવું જોઇએ.
હવે પ્રશ્ન એ થાય કે ‘સામાયિક’ કેવી રીતે કરવું? અથવા તો સામાયિક માં શું કરવું? ટૂંકમાં સામાયિક એટલે ૪૮ મિનિટનું ધ્યાન. જેમાં જે તે કષાય ઉપર આત્મનિરીક્ષણ કરવું જોઇએ. શું આપણે આવું કરીએ છીએ? જો ‘હા’ તો સહજ જીવન જીવવું, નિર્ભય બનવું, ઝડપી આત્મવિકાસ, રાષ્ટ્રીયતા, પ્રામાણિકતા, જવાબદારીઓ (સામાજિક, કૌટુંબિક) નું વહન બધું જ સહજ રીતે જીવી શકાય. જો ‘ના’ તો આપણે ક્રિયા લક્ષી બનીને ધાર્મિક હોવાનો ડોળ કરીએ છીએ.
હવે ફરીથી, વાતનાં મુખ્ય મુદ્દા ઉપર આવીએ કે એક વાર ‘આપણે આવું ‘સહજ અને શાંત’, ‘પ્રસન્ન અને પ્રોડક્ટીવ’ જીવન જીવતાં શીખી જઇએ ત્યાર પછીની આપણી જવાબદારીઓ શું રહેશે?
તો એનાં જવાબમાં નીચેની કેટલીક વાતો વિચારવા વિનંતી.
૧) આપણે દ્રઢ મનોબળ વાળાં બની સામાજિક ઉત્થાન માટે સક્રિય બનવું. દરેક જીવ માત્ર પ્રત્યે પ્રેમ, આદર, સેવાનો ગુણ કેળવીને ક્રમે કરીને કરવાં જેવાં કાર્યો કયાં છે?.
૨) આત્મવિજયથી ખરેખર બહારનાં અસંખ્ય દુઃખી લોકોની સેવા કરવાનું સામર્થ્ય વધશે.
૩) રાષ્ટ્રીયતાનાં ગુણોનો વિકાસ થશે. રાષ્ટ્રમાં ભાઇચારો વધશે. પ્રજા વધારે એક બીજાનું કલ્યાણ ઇચ્છવાવાળી થશે.
૪) રોજગારીની તકો વધારી શકીએ એવું ભૌતિક જગત વિકસાવવાનું સામર્થ્ય પ્રાપ્ત થશે. જો કે ‘અકર્મણ્યતા’ સ્વભાવમાં સહજ રહેશે.
૫) સાધર્મિક ભક્તિ કે જેને બીજી ભાષામાં ‘સુપાત્ર દાન’ કહી શકીએ. એ વિશે વધારે સતર્કતા આવશે. કોઇ આરોગ્ય ક્ષેત્રે, કોઇ શિક્ષણ ક્ષેત્રે, કોઇ વ્યાપાર ક્ષેત્રે ‘સુપાત્ર દાન’ માટે સક્રિય બનશે.
વાહ, આપણે બધા આવું સુખી જીવન પણ જીવી શકીએ છીએ. તો ચાલો ‘સપનું સાકાર’ કરવા મથીએ. કદાચ આને જ ‘મોક્ષ’ કહેવાતો હશે. જ્યાં અનંત સુખ છે. ઃ)
© Hiral Shah
Please help sadarmik